Monday, November 07, 2011

BHARAT & GUJARAT MA GUTAKHA




ભારતમાં ગુટકા અને સિગારેટના સેવનને લીધે દર વર્ષે આશરે ૩.૨ લાખ નાગરિકો મોંઢાના કેન્સરનો ભોગ બને છે



ભારતમાં ટોબેકોની લોબી બહુ મજબૂત છે. આપણા દેશના કૃષિ પ્રધાન શરદ પવાર આ ટોબેકો લોબીના મિત્ર હતા. શરદ પવાર પાન મસાલા અને ગુટકાના પણ શોખીન હતા. ગુટકા ચાવવાને કારણે શરદ પવારને જડબાનું કેન્સર થયું. ઓપરેશન કરાવીને તેઓ માંડ બચી ગયા, પણ જિંદગીભરની ખોડ રહી ગઈ. આ પછી શરદ પવારે સમગ્ર મહારાષ્ટ્રમાં પાન મસાલા અને ગુટકા ઉપર પ્રતિબંધ મૂકી દીધો, જે આજ દિન સુધી અમલમાં છે. મહારાષ્ટ્રની ગુટકા લોબી સુપ્રિમ કોર્ટ સુધી જઈને આ પ્રતિબંધ ઉઠાવડાવી લેવામાં સફળ થઈ. મહારાષ્ટ્ર સરકારે કાયદો કરીને તેની ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો. ભારતની સુપ્રિમ કોર્ટે હવે મોડે મોડે ગુટકામાં પ્લાસ્ટિકના પાઉચ વાપરવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે. હકીકતમાં પ્રતિબંધ પાન મસાલા અને ગુટકા ઉપર મૂકવાની જરૃર છે.



ગુજરાતમાં વલસાડ પાસે કેન્સર હોસ્પિટલ છે. અહીં દર વર્ષે સેંકડોની સંખ્યામાં કેન્સરના દર્દીઓ સારવાર માટે આવે છે. મોંઢાના ફેફસાંના કેન્સરના મોટા ભાગના દર્દીઓ સિગારેટ અથવા ગુટકા ખાઈ કેન્સરના દર્દી બન્યા હોય છે. ગુજરાતમાં તો સ્કૂલમાં ભણતાં બાળકો પણ પાન મસાલા અને ગુટકા ચાવતાં નજરે પડે છે. એક અંદાજ મુજબ આપણા દેશમાં દર વર્ષે આશરે ૧૦,૦૦૦ કરોડ રૃપિયાના પાન મસાલા અને ગુટકાનું વેચાણ થાય છે. ગુટકાના ધંધા ઉપર ત્રણ-ચાર કંપનીઓની મોનોપોલી છે. આ કંપનીઓમાં તીવ્ર સ્પર્ધા છે. પોતાના પ્રતિસ્પર્ધીને પછાડવા આ કંપનીઓ માફિયાઓની પણ મદદ લે છે. દુબઈના એક ભાઈએ ગુટકા બનાવનારા ઉદ્યોગપતિઓ પાસેથી મદદ લઈને પોતાના એક સગાને ગુટકાના ધંધામાં ઉતાર્યો છે. ગુટકા બનાવતી કંપનીઓ તમામ રાજકીય પક્ષોના નેતાઓને ચૂંટણી ફંડમાં ચિક્કાર નાણાં આપીને પોતાના ધંધાને જીવતો રાખે છે.



મહારાષ્ટ્રમાં ગુટકા ઉપર પ્રતિબંધ છે તેનો લાભ ઉઠાવીને ગુજરાતના ગુટકા બનાવનારાઓ અઢળક નફો રળે છે. ગુજરાતમાં બનેલા પાન મસાલા અને ગુટકાની મહારાષ્ટ્રમાં ગેરકાયદે નિકાસ થાય છે. ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં પ્રવેશતી ટ્રેનોમાં ગુટકા વેચતા ફેરિયાઓ રોજના હજારો રૃપિયાનો ધંધો કરે છે. એકલા ગુજરાતમાં ગુટકાની ૯૨ બ્રાન્ડો વેચાય છે. ગુજરાતમાં ગુટકાના ૭૦ લાખ બંધાણીઓ છે. તેઓ રોજના ગુટકાના સરેરાશ ૧૦ પાઉચ ચાવી જાય છે. ગુજરાતમાં વર્ષે દહાડે ૨,૫૦૦ કરોડ રૃપિયાનું ગુટકાનું વેચાણ થાય છે. ગુજરાતમાં એવો કાયદો છે કે સ્કૂલની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ગુટકાનું વેચાણ ન કરવું. આ કાયદાનો સરિયામ ભંગ થાય છે. ગુજરાતની પોલીસને હપ્તાઓ આપીને જેમ દારૃનું વેચાણ કરી શકાય છે તેમ સ્કૂલની આજુબાજુુ ગુટકા પણ વેચી શકાય છે.



પાન મસાલા અને ગુટકા આરોગ્યને તો નુકસાન કરે છે, પણ પર્યાવરણ માટે પણ તેઓ એટલાં જ હાનિકારક છે. ગુટકાના ખાલી પાઉચ શહેરનો કચરો બને છે. અમદાવાદના સફાઈ કામદારો શેરીમાં ફેંકવામાં આવતા ગુટકાના પાઉચ સાફ કરી કરીને કંટાળી જાય છે. ગીરના જંગલમાં તાજેતરમાં વન વિભાગ દ્વારા સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું ત્યારે તેમાંથી પ્લાસ્ટિકનો એક હજાર ટન કચરો નીકળ્યો હતો. આ કચરામાં ગુટકાના ખાલી પાઉચનો ફાળો બહુ મોટો હતો. સહેલાણીઓ જંગલમાં પર્યટનની મોજ માણવા જાય છે અને પ્લાસ્ટિકનો કચરો કરીને આવે છે. પર્યટનનાં સ્થળોમાં પ્લાસ્ટિકના પાઉચ ઉપરાંત પાણીની પ્લાસ્ટિકની ખાલી બોટલો, પાણીના ખાલી પાઉચ, વેફર્સના ખાલી પાઉચ, ઠંડાં પીણાંની ખાલી બોટલો વગેરેનો ઢગલાબંધ કચરો હોય છે. ગંગા નદી ગંગોત્રી પાસેથી નીકળે છે, ત્યાં પણ ગંગા નદીમાં પાણીની ખાલી બોટલો અને ગુટકાના ખાલી પાઉચ ફેંકવામાં આવે છે. ગુટકાના પાઉચ બાયો-નોન ડિગ્રેડેબલ હોય છે. તેનો કદી નાશ થતો નથી. આ પાઉચ શહેરની ગટરોમાં જમા થઈ જાય છે. ગટરો વાટે તેઓ નદીમાં અને સમુદ્રમાં પહોંચે છે. સમુદ્રમાં હજારો વર્ષ સુધી આ પ્લાસ્ટિક રહે છે. કોઈ જળચરો તેને પોતાનો ખોરાક સમજી આરોગી જાય તો મરી જાય છે. શહેરમાં ફરતી ગાયો પ્લાસ્ટિકનો કચરો પોતાનો ખોરાક સમજીને ખાઈ જાય છે. આ ગાયોના આંતરડામાં પ્લાસ્ટિકનો કચરો જામી જવાને કારણે તેઓ રિબાઈને મરે છે. ગુટકાના પાઉચ જો હવામાં બાળવામાં આવે તો તેમાંથી ઝેરી ધુમાડો નીકળે છે અને લોકોના આરોગ્યને હાનિ થાય છે.



આપણા દેશમાં મોંઢાના કેન્સરના જેટલા દર્દીઓ છે, તેમાંના ૯૦ ટકાને તમાકુ અથવા ગુટકા ચાવવાને કારણે આ કેન્સર થયું હોય છે. ગુટકામાં એવાં કેમિકલ્સ વાપરવામાં આવે છે, જેના કારણે તમાકુ કરતાં પણ વધુ નુકસાન થાય છે. ગુટકામાં એક એવું કેમિકલ વાપરવામાં આવે છે, જેની લત લાગે છે. આ લતને કારણે વ્યક્તિને વારંવાર ગુટકા ચાવવાની અદમ્ય ઇચ્છા થાય છે. ગુટકાના વ્યસનને કારણે ઘણા લોકોનાં મોં પણ ખૂલી શકતા નથી. ગુટકા ખાવાને કારણે દાંત ઉપર ડાઘા પણ પડી જાય છે. તમાકુમાં નિકોટીન ઉપરાંત સીસું, આર્સનિક અને કેડમિયમ જેવી જેરી ધાતુઓની હાજરી હોય છે. તમાકુ ચાવવાને કારણે મોંઢાના કેન્સર ઉપરાંત કંઠનળીનું, ફેફસાંનું અને પેન્ક્રિયાસનું કેન્સર પણ થઈ શકે છે.



વિજ્ઞાાનીઓએ શોધી કાઢ્યું છે કે ગુટકા ખાવાને કારણે આપણા શરીરમાં આનુવાંશિક દ્રવ્યોમાં પણ ફેરફાર થાય છે, જેની અસર માણસની સેક્સ લાઈફ ઉપર પણ પડી શકે છે. ચંડીગઢની યુનિવર્સિટીના સંશોધકોએ પ્રાણીઓ ઉપર ગુટકાના પ્રયોગો કર્યા તો ખ્યાલ આવ્યો કે ગુટકા ખાવાને કારણે પ્રાણીઓની ફળદ્રુપતા પણ ઘટી ગઈ હતી. જો ગર્ભવતી સ્ત્રીઓ ગુટકા ખાય તો તેને કારણે તેને બાળક મરેલું અવતરવાની સંભાવના વધી જાય છે. ગુટકા ખાવાને કારણે મનુષ્યના લિવર, કિડની અને ફેફસાંને પણ નુકશાન થાય છે. ભારતમાં ગુટકાની જાહેરાતો ઉપર પ્રતિબંધ છે, પણ પાન મસાલાની આડમાં ગુટકાની જાહેરાત પણ કરવામાં આવે છે.



ધૂમ્રપાનથી પણ કેન્સર થાય છે એ ખૂબ જાણીતી બાબત છે. તેમ છતાં આપણા દેશમાં સિગારેટ બનાવતી કંપનીઓ એટલી પાવરફુલ છે કે સરકાર સિગારેટના ઉત્પાદન અને વેચાણ ઉપર પ્રતિબંધ મૂકતાં અચકાય છે. સિગારેટના વેચાણમાંથી સરકારને અબજો રૃપિયા એક્સાઈઝ ડયુટી અને સેલ્સ ટેક્સના રૃપમાં મળે છે. આ અબજો રૃપિયાના મોહમાં સરકાર સિગારેટ બનાવતી કંપનીઓને કરોડો લોકોના જીવ સાથે રમત કરવાનું લાઈસન્સ આપી દે છે. સરકારે સિગારેટના પેકેટ ઉપર તે આરોગ્ય માટે હાનિકારક છે, એવું લખવાનો કાયદો ઘડયો હતો. સિગારેટ બનાવતી કંપનીઓ અત્યંત ઝીણા અક્ષરે આ લખાણ પેકેટ ઉપર લખીને છટકી જતી હતી. આ કારણે સરકારે સિગારેટના પેકેટ ઉપર ખોપડીની નિશાની બતાવવાનું ફરજિયાત કરતો કાયદો કર્યો. તે પછી પણ લોકો સિગારેટ પીતા ન અટક્યા એટલે સરકારે હવે સિગારેટના ઉત્પાદકોને આદેશ કર્યો છે કે તેમણે સિગારેટથી કેન્સર થાય છે, એવું લખાણ પેકેટના અડધા ભાગમાં લખવું. આ ઉપરાંત કેન્સરગ્રસ્ત મોંનું ચિત્ર પણ બતાવવું. સિગારેટના ઉત્પાદકોને આ આદેશ સામે વાંધો છે એટલે બે કંપનીઓએ હડતાળ પાડીને પોતાનો વિરોધ જાહેર કર્યો. હડતાળને કારણે સરકારને એક્સાઇઝ ડયૂટીમાં ખોટ જવાની ચિંતા સતાવી રહી છે.



સુપ્રિમ કોર્ટે પ્લાસ્ટિકના પાઉચમાં ગુટકા વેચવા ઉપર પ્રતિબંધ ફરમાવતો ચુકાદો ફરમાવ્યો તેમાં કેન્દ્ર સરકારને આદેશ પણ આપવામાં આવ્યો છે કે પાન મસાલા અને ગુટકાની માનવ આરોગ્ય તેમજ પર્યાવરણ ઉપર કેવી હાનિકારક અસરો થાય છે, તેનો અભ્યાસ પણ કરાવવો. હકીકતમાં આ અભ્યાસ કરાવવાની પણ જરૃર નથી. ઈ.સ. ૧૯૯૭માં ત્યારની કેન્દ્ર સરકારે એક સમિતિ નિમીને પાન મસાલાની અને ગુટકાની હાનિકારક અસરો બાબતમાં એક અભ્યાસ કરાવ્યો હતો. આ અભ્યાસમાં જણાયું હતું કે ગુટકા ખાનારને પાંચથી સાત વર્ષ પછી મોંનું કેન્સર થવાની સંભાવના બહુ વધી જાય છે. આ સમિતિએ દેશભરમાં પાન મસાલા અને ગુટકાના ઉત્પાદન તેમજ વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી. સરકારે આ ભલામણ સ્વીકારી પણ લીધી હતી. તેને પગલે પાન મસાલા અને ગુટકાનું ઉત્પાદન કરતી સશક્ત લોબીએ ઉહાપોહ મચાવી દીધો હતો અને સરકારે પીછેહઠ કરી હતી. આ વખતે ગુટકા લોબીએ કરોડો રૃપિયાની ઉઘરાણી કરીને દિલ્હી પહોંચાડી દીધી હોવાનું કહેવાય છે. રાજકારણીઓ માટે ગુટકા લોબી દૂઝણી ગાય છે.



જ્યારે પણ પાન મસાલા અને ગુટકા ઉપર પ્રતિબંધ ફરમાવવાની વાત આવે ત્યારે એવી દલીલ કરવામાં આવે છે કે આ પ્રતિબંધ ફરમાવવામાં આવશે તો ૫૦ લાખ લોકો બેકાર બની જશે. સુપ્રિમ કોર્ટમાં જ્યારે એક ગુટકા ઉત્પાદકના વકીલે આવી દલીલ કરી ત્યારે સુપ્રિમ કોર્ટના માનનીય જજ સાહેબે તરત જ કહ્યું હતું કે, ''ભલે થાતા.'' આ જવાબ ઉપરથી સુપ્રિમ કોર્ટનો મિજાજનો ખ્યાલ આવે છે. એક અંદાજ મુજબ ભારતના ૧૦ લાખ નાગરિકો દર વર્ષે તમાકુના સેવનથી મરે છે. ભારતમાં ૧૫ વર્ષથી ઓછી ઉમરનાં ૫૦ લાખ બાળકો નિયમિત ગુટકાનું સેવન કરે છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવાં રાજ્યોમાં શાળામાં ભણતાં જે બાળકો ગુટકાનું સેવન કરે છે, તે પૈકી ૧૬ ટકા બાળકો મોંના કેન્સરનો ભોગ બન્યા છે. આપણા દેશમાં દર વર્ષે કેન્સરના દર્દીઓની સંખ્યામાં આઠ લાખનો ઉમેરો થયા છે, તે પૈકી ૩.૨ લાખ લોકોને તમાકુના સેવનને કારણે કેન્સર થાય છે. આપણી સરકારે ગુટકાના વ્યવસાયમાં રોજી રળી રહેલા ૫૦ લાખ લોકોની ચિંતા કરવી જોઈએ કે ગુટકાના સેવનથી મૃત્યુ પામતાં લાખો લોકોની ચિંતા કરવી જોઈએ?





No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.