Thursday, January 30, 2014

રાષ્ટ્રધ્વજ દરેક દેશની ઓળખ હોય છે.


રાષ્ટ્રધ્વજ દરેક દેશની ઓળખ હોય છે. રાષ્ટ્રધ્વજ દેશનાં ગૌરવ અને સન્માન સાથે જોડાયેલો હોય છે. રાષ્ટ્રધ્વજથી જ એ દેશની નીતિઓ અને વિચારધારાઓ પ્રદર્શિત થાય છે. દરેક રાષ્ટ્રનો એક ધ્વજ હોય છે જે તેની સ્વતંત્રતાનો સંકેત આપે છે. આપણાં દેશનો રાષ્ટ્રધ્વજ તિરંગો છે, જે ભારતની શાન છે. રાષ્ટ્રધ્વજના ત્રણેય રંગ અને ચક્રનો એક ખાસ અર્થ તથા મહત્ત્વ છે. ભારતીય રાષ્ટ્રધ્વજની રચના પિંગલી વૈંકૈયાનંદે કરી હતી અને તેને ૨૨ જુલાઈ, ૧૯૪૭માં યોજાયેલી ભારતીય સંવિધાન સભાની બેઠકમાં અપનાવવામાં આવ્યો હતો. બાળમિત્રો! આપણો રાષ્ટ્રધ્વજ આજે જેવો દેખાય છે એવો પહેલાં નહોતો દેખાતો. આજના રાષ્ટ્રધ્વજની પાછળ તેનો ઇતિહાસ છુપાયેલો છે. આવતી કાલે આપણો ૬૫મો ગણતંત્ર દિવસ છે ત્યારે આ અવસર ઉપર આપણાં રાષ્ટ્રધ્વજની પાછળ છુપાયેલા ઇતિહાસ ઉપર નજર કરીએ
પ્રથમ રાષ્ટ્રધ્વજ
આપણો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ ૭ ઓગસ્ટ, ૧૯૦૬માં કલકત્તાના પારસી બાગાન ચોક જે આજે ગ્રીન ચોક તરીકે ઓળખાય છે તેમાં બંગાળ વિભાજનના વિરોધમાં ફરકાવવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજના નિર્માણમાં લાલ, લીલા અને પીળા રંગની એમ ત્રણ પટ્ટીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજમાં ઉપરની પટ્ટી લીલા રંગની હતી જેમાં અડધાં ખીલેલાં કમળનાં ફૂલ દર્શાવવામાં આવ્યાં હતાં. બીજી પટ્ટી પીળા રંગની હતી જેમાં વચ્ચે વંદે માતરમ્ લખેલું હતું અને છેલ્લી લાલ રંગની પટ્ટીમાં ડાબી બાજુ ચાંદ અને જમણી બાજુ સૂરજ બનાવવામાં આવ્યા હતા. આ રાષ્ટ્રધ્વજ ૧૯૦૪માં સ્વામી વિવેકાનંદની શિષ્યા ભગિની નિવેદિતા દ્વારા બનાવવામાં આવ્યો હતો.
બીજો રાષ્ટ્રધ્વજ
ભારતનો બીજો રાષ્ટ્રધ્વજ પેરિસમાં ભીખાઈજી કામા તથા ૧૯૦૭માં ઘરવિહોણા કરેલા અમુક ક્રાંતિકારીઓ દ્વારા ફરકાવવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજ પણ પહેલા રાષ્ટ્રધ્વજ જેવો જ હતો માત્ર એમાં ઉપરની પટ્ટીમાં કમળની જગ્યાએ તારા બનાવવામાં આવ્યા હતા. આ તારા સપ્ત ઋષિને દર્શાવતા હોય એવું માનવામાં આવતું હતું. બર્લિનમાં યોજાયેલા સમાજવાદી સંમેલનમાં પણ આ રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
ત્રીજો રાષ્ટ્રધ્વજ
દેશનો ત્રીજો રાષ્ટ્રધ્વજ ૧૯૧૭માં આવ્યો જ્યારે ભારતીય રાજનીતિએ એક નવો વણાંક લીધો. ડો. એની બેસન્ટ અને લોકમાન્ય તિલકે ઘરેલુ શાસન ઝુંબેશ દરમિયાન આ રાષ્ટ્રધ્વજને ફરકાવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજમાં ૫ લાલ અને ૪ લીલી પટ્ટીઓ હતી અને તેમાં સપ્ત ઋષિના સાત તારા સિવાય ડાબી બાજુ યુનિયન જેક તથા જમણી બાજુ અર્ધચંદ્ર ને તારા દર્શાવવામાં આવ્યા હતા.
ચોથો રાષ્ટ્રધ્વજ
અખિલ ભારતીય કમિટીનું સત્ર જે ૧૯૨૧માં બેજવાડામાં (જે આજે વિજયવાડા તરીકે ઓળખાય છે) કરવામાં આવ્યું હતું. એમાં આંધ્રપ્રદેશના એક યુવકે ધ્વજ બનાવી ગાંધીજીને આપ્યો. આ ધ્વજ લાલ તથા લીલા રંગોનો બનેલો હતો જે ભારતના બે મુખ્ય સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કરતો હતો. લાલ રંગ હિંદુ તથા લીલો મુસ્લિમ સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કરતો હતો. ગાંધીજીએ સલાહ આપી કે ભારતના બાકીના સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કરવા માટે તેની ઉપર એક સફેદ પટ્ટી તથા રાષ્ટ્રની પ્રગતિનો સંકેત આપવા માટે તેની વચ્ચે એક ચાલતો રેંટિયો હોવો જોઇએ.
પાંચમો રાષ્ટ્રધ્વજ
વર્ષ ૧૯૩૧માં કરાંચીમાં યોજાયેલા ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના સત્રમાં એક ૭ સભ્યોની કમિટીએ એક ધ્વજ બનાવ્યો જેમાં માત્ર કેસરિયા રંગનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો તથા ધ્વજની ઉપરની બાજુ મરૂન રંગનો રેંટિયો બનાવવામાં આવ્યો હતો,પરંતુ દુર્ભાગ્યે આ ધ્વજ રાષ્ટ્રધ્વજ તરીકે પસંદગી પામી નહોતો શક્યો.
છટ્વો રાષ્ટ્રધ્વજ
૧૯૩૧માં ભારતના રાષ્ટ્રધ્વજના ઇતિહાસમાં એક મહત્ત્વનું વર્ષ છે. આ વર્ષે તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવા માટેના પ્રસ્તાવની રજૂઆત કરવામાં આવી. આ ધ્વજને વર્તમાન રાષ્ટ્રધ્વજનો પૂર્વજ પણ કહેવામાં આવે છે. આ ધ્વજમાં પણ ત્રણ રંગની પટ્ટીઓ હતી જેમાં ઉપરની પટ્ટીનો રંગ કેસરી, વચ્ચેની પટ્ટીનો રંગ સફેદ અને નીચેની પટ્ટીનો રંગ લીલો હતો, પરંતુ તેમાં વચ્ચે ચક્રની જગ્યાએ રેંટિયો દર્શાવવામાં આવ્યો હતો. આ ધ્વજનું કોઈ પણ સાંપ્રદાયિક મહત્ત્વ નથી તે પણ જણાવવામાં આવ્યું હતું.
હાલનો રાષ્ટ્રધ્વજ

આ રાષ્ટ્રધ્વજને ૨૨ જુલાઈ, ૧૯૪૭ના રોજ બંધારણ સભાએ મુક્ત રાષ્ટ્રીય ધ્વજ તરીકે અપનાવ્યો હતો. સ્વતંત્રતા મળ્યા બાદ રાષ્ટ્રધ્વજના રંગોમાં તો કોઈ ફેરફાર ન થયો, પરંતુ તેમાં રેંટિયાની જગ્યાએ સમ્રાટ અશોકના ધર્મચક્રને દર્શાવવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ દેશની શક્તિ અને સાહસ દર્શાવે છે જ્યારે વચ્ચેનો સફેદ રંગ ધર્મ ચક્રની સાથે શાંતિ તથા સત્યનું પ્રતીક છે તેમજ નીચેનો લીલો રંગ ફળદ્રુપતા, વિકાસ અને ભૂમિ પવિત્રતાનું પ્રતીક ગણાય છે. આ રાષ્ટ્રધ્વજમાં ધર્મ ચક્ર દર્શાવવાનો અર્થ છે કે 'જીવન ગતિશીલ છે અને રૂકાવટનો અર્થ મૃત્યુ છે.'

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.