Friday, January 10, 2014

સીયાચીન- જ્યાં -50 ડીગ્રી ઠંડીમાં ભારતીય જવાંમર્દો રક્ષા કરી રહ્યા છે ભારતીય સરહદની..........


મશીનગનને ઉકળતા પાણીમાં બોળી રાખવી પડે છે, હાથ પગના આંગળા ખરી પડવા આમ વાત છે

વાંચો,કાતિલ ટાઢ અને દુશ્મન એમ બેવડા મોરચે લડતા સેનાના જવાનોના સંઘર્ષની દાસ્તાન


10 થી 12 ડીગ્રી ઠંડીમાં આપણે ધાબળા ઓઢીને આરામથી ટીવી જોતા જોતા અમેરીકામાં પડતી ઠંડીના દ્રશ્યો ટીવી પર આજકાલ જોઈ રહ્યા છે ત્યારે ભારતના એ જવામર્દોને પણ યાદ કરવા જેવા ખરા જેઓ વિશ્વના સૌથી ઉંચા યુધ્ધના મેદાન સીયાચીનમાં પાકિસ્તાની સેના અને બરફ એમ બે દુશ્મનો સામે એકસાથે ઝઝૂમી રહ્યા છે..જ્યાં ઘાસનુ એક તણખલુ સુધ્ધા નથી ઉગતુ તે સીયાચીન પર ભારતનો ત્રીરંગો ફરકતો રહે તે માટે આ જાંબાઝો -50 ડીગ્રી..જી..હા.. -50 ડીગ્રી ઠંડીમાં મોરચો સંભાળીને બેઠા છેલ્લા 29 વર્ષથી બેઠા છે..સૌથી દુર્ગમ જંગના મેદાન પર 1984થી બન્ને દેશની સેનાઓ આમને સામને બંદુક અને તોપના નાળચા તાકી ચુકી છે..વાંચો ભારતીય સૈનિકો કેવી વિકટ સ્થિતિમાં ફરજ બજાવે છે..


ઓપરેશન મેઘદૂત અને સીયાચીન...રોજનો 6 કરોડનો ખર્ચ
વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના  76 કીલોમીટર લાંબા ગ્લેશીયર પર કબજો જમાવવા માટે 1984માં ભારતીય સેનાએ લોન્ચ કર્યુ હતુ ઓપરેશન મેઘદૂત...પાકિસ્તાનને ખદેડી મુકીને ઉંચાઈ પરના શીખરો પર ભારતીય સેનાના જવાનો બેસી ગયા હતા..ત્યારથી ભારત અહીંયા કોઈ પણ સમયે 10000 સૈનિકોને તૈનાત રાખે છે.તેની સામે પાકિસ્તાને પણ એટલા જ સૈનિકોની અહીંયા જમાવટ કરી છે..જોકે ભારત માટે મોરચો સંભાળવો વધારે મુશ્કેલ છે..કારણકે ભારતની કેટલીક પોસ્ટ 20000 ફૂટ જેટલી ઉંચાઈ પર છે..જેથી સૈનિકોને તમામ સપ્લાય હેલીકોપ્ટર્સ થકી જ પુરો પાડવો પડે છે...ભારત સીયાચીન પાછળ પ્રતિ દીન 6 કરોડ રુપિયાનો ખર્ચ કરે છે....


કેવી રીતે પહોંચે છે સૈનિકો સુધી સપ્લાય
રોજ સવારે સેનાની હેલીકોપ્ટર પાંખના પાયલોટ્સ એવુ દુષ્કર કાર્ય બજાવવા માટે ઉઠે છે જેની કલ્પના કરવી મુશ્કેલ છે..60ના દાયકાના ચીત્તા હેલીકોપ્ટર્સ વડે પાયલોટ્સ 21000 ફૂટની ઉંચાઈ સુધી સપ્લાય લઈ જાય છે..દરેક ખેપમાં આ હેલીકોપ્ટર 50 થી 60 કીલો વજન લઈ જઈ શકે છે.. 15000 ફૂટની ઉંચાઈ સુધી ઉડી શકતા ચીતા હેલીકોપ્ટરને ભારતીય પાયલોટ્સ 21000 ફૂટની ઉંચાઈ સુધી ઉડાવીને સપ્લાય નીચે પેરાશૂટ્સ વડે રવાના કરે છે.સપ્લાયમાં અન્ય જરુરી વસ્તુઓની સાથે સાથે સેટેલાઈટ ફોન પણ હોય છે જેથી સૈનિકો તેમના પરિવારજનો સાથે વાત કરવાની લક્ઝરી ભોગવી શકે..સપ્લાય ડ્રોપ કરતી વખતે પાયલોટ્સ પાસે હેલીકોપ્ટરને હવામાં સ્થિર રાખીને સપ્લાય ડ્રોપ કરવા માટે  માંડ 30 સેકન્ડનો સમય હોય છે...કારણકે સામે મોરચો માંડીને બેઠેલા પાકિસ્તાનની એર ડીફે્નસ ગન્સનો પણ ખતરો મંડરાતો હોય છે.આવા કપરા સંજોગો વચ્ચે વર્ષે 4000 ટન જેટલો સપ્લાય હેલીકોપ્ટર્સ વડે આપણા જવાનોને પહોંચાડવામાં આવે છે.

સીયાચીન નામના બર્ફીસ્તાનનુ કેવુ છે વાતાવરણ
નજર નાંખીએ ત્યાં પહાડીઓ અને બરફ વચ્ચે ભેખડો ધસી પડવી આમ વાત છે.બરફના તોફાન એક બે નહી પરંતુ 20-20 દિવસ સુધી ચાલતા હોય છે..પવનની ગતિ 125 માઈલ પ્રતિ કલાક સુધી પહોંચી જાય છે..તાપમાનનો પારો -60 ડીગ્રી સુધી ગગડી જાય છે અને વર્ષે 35 ફૂટ જેટલો બરફ પડે છે..જ્યારે બરફ પડે છે ત્યારે બે થી ત્રણ જવાનોએ રાઉન્ડ ધી ક્લોક બરફ હટાવતા રહેવુ પડે છે...નહીતર આખે આખી ચેક પોસ્ટ બરફ હેઠળ દટાઈ જવાની શક્યતાઓ રહેતી હોય છે..

કેવી રીતે ઝઝૂમે છે ભારતીય સેનાના જવાનો 
એવુ કહેવાય છે કે સીયાચીન મોરચે ભારતે પાકિસ્તાનની બુલેટ્સ કરતા વધારે સૈનિકો કાતિલ ઠંડીના કારણે ગુમાવ્યા છે.સૈનિકોની પોતાની રાયફલ્સ કેરોસીનના સ્ટવ પર વારંવાર ગરમ કરવી પડે છે..જેથી મીકેનીઝમ જામ ના થઈ જાય..મશીનગન્સને ગરમ પાણીમાં બોળી રાખવી પડે છે..સામાન્ય ઉંચાઈએ જે ઓક્સીજન ઉપલબ્ધ હોય છે તેની સરખામણીમાં માત્ર 10 ટકા જ ઓક્સીજન સીયાચીનમાં  ઉપલબ્ધ છે..પરિણામે માત્ર 50 ડગલા ચાલીને ગમે તેટલો હટ્ટો કટ્ટો માણસ પણ હાંફવા માંડે છે..ઓક્સીજન માસ્ક મોઢા પર લગાવીને ફરવુ પડે છે..જવાનો માટે ઈગ્લૂ જેવી ડીઝાઈનની ખાસ ફોલ્ડીંગ હટ ડીઆરડીઓ દ્વારા તૈયાર કરાઈ છે..જેમાં પાંચ લેયરવાળા ઈમ્પોર્ટેડ કપડા પહેરીને રહેતા જવાનો માટે કેરોસીન અને સ્ટવ લાઈફલાઈન છે..જોકે આમ છતાં પણ ટૂથપેસ્ટ ટુયબમાં જામ થઈ  જતી હોય છે..રેશનમાં મોકલવામાં આવતી નારંગી સીઝનબોલ જેવી થઈ જાય છે..જવાનોને બટાકાનુ શાક પણ ભાગ્યે જ નસીબ થાય છે..કારણકે કાતિલ ઠંડીમાં બટાકા એટલી હદે થીજી જાય છે કે હથોડીથી પણ તોડી ના શકાય..ટીનના ડબ્બામાં પેક થયેલા ફૂડ સીવાયનુ તાજુ ભોજન આ જવાનો માટે એક સ્વપ્ન જેવુ હોય છે...નહાવુ એ તો એવી લક્ઝરી છે જે સીયાચીન  પર ફરજ બજાવનાર સૈનિક વિચારી પણ ના શકે...કુદરતી વિષમતાના અલ્ટીમેટ ટેસ્ટ વચ્ચે પણ તેમને પાકિસ્તાનના જવાનો સામે તો સતત એલર્ટ રહેવુ જ પડતુ હોય છે..

ભારતીય સેનાનુ હત્યારુ સીયાચીન ગ્લેશીયર 
1984માં ઉંચાઈ પરના શીખરો સર કરી લીધા બાદ ભારતે અત્યાર સુધીમાં લગભગ 864 જેટલા જવાનો આ મોરચે ગુમાવ્યા છે..જેમાંના મોટાભાગના ઠંડીના કારણે શહીદ થયા છે.મોરચા પરના સૈનિકોને જ્યારે બેઝ કેમ્પ પર લાવવામાં આવે છે ત્યારે તેમાંના ઘણા ઓક્સીજન માસ્કના સતત ઉપયોગના કારાણે યાદદાસ્ત ગુમાવી ચુક્યા હોય છે..કોઈની આંખોની રોશની જતી રહી હોય છે..હીમડંખના કારણે ઘણાના હાથ પગની આંગળીઓ ખરી ગઈ હોય છે...કારણકે 18000 ફૂટની ઉંચાઈએ સતત -50 ડીગ્રી ટેમ્પરેચર વચ્ચે રહેવુ એ માનવશરીર માટે લગભગ અશક્ય જેવી બાબત છે.જવાનોનો સૌથી વધારે ભોગ હાઈ એલ્ટીટ્યુડ પ્યુલમોનરી એડેમા (હેપ)અને હાઈ એલ્ટીટ્યુડ સેરેબ્રલ એડમા(હેસ)થી  થાય છે..હેપની તકલીફમાં  ફેફસામાં પાણી ભરાઈ જાય છે અને વ્યક્તિ ગણતરીની સેંકડોમાં મોતને ભેટી શકે છે..જ્યારે હેસના કેસમાં મગજમાં ઓક્સીજનના પુરતા સપ્લાયના અભાવે ચક્કર આવવા માડે છે,માથામાં સખ્ત દુખાવો થાય છે..જો 24 કલાકમાં તેનો ઈલાજ ના કરાય તો મોત નિશ્ચીત હોય છે.



કોણ પહેલુ હટે
બંને દેશો માટે સીયાચીન પરનો મોરચો ખર્ચાળ અને તેનાથી વધારે સૈનિકો માટે જીવલેણ પૂરવાર થઈ રહ્યો છે..સવાલ એ છે કે પહેલુ કોણ હટે..પાકિસ્તાને સીયાચીનમાંથી લશ્કર હટાવવા માટે પ્રસ્તાવ મુકેલો છે પરંતુ ભારતને પાકિસ્તાન પર વિશ્વાસ નથી..ભારતીય સેનાએ ગત વર્ષે સ્પષ્ટતા કરી હતી કે વ્યૂહાત્મક રીતે મહત્વના આ ગ્લેશીયર પરથી ભારત સેના નહી હટાવે...આ મુદ્દો દિવસો સુધી મીડીયામાં છવાયેલો રહ્યો હતો..પરંતુ સમજુતીની આ વાત ફરી ભૂતકાળ બની ચુકી છે..ભેંકાર પહાડો,દિવસ રાત ચાલતા તોફાનો,સૂસવાટાભેર ફૂંકાતા બર્ફીલા પવનો વચ્ચે પરિવારથી હજારો કીલોમીટર દુર જવાનો આજે પણ એલર્ટ થઈને ફરજ બજાવી રહ્યા છે..જેથી કોઈ દેશની ધરતી પર પગ ના મુકી જાય...
 

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.